બાલાસિનોરઃ મહિસાગર જિલ્લાનાં બાલાસિનોરમાં ગત રાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લગ્નના વરઘોડામાં ઘૂંસી ગઈ હતી. જાનૈયાઓ માંડવે પહોંચવાની તૈયારીમાં જ હતા ત્યારે એકાએક કાર ઘૂંસી આવતા નાસભાગ મચી ગઈ હતી. કારની અડફેટે બેના મોત નિપજ્યા હતા જ્યારે 25ને ઈજા3ઓ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બાલાસિનોરમાં ગત રાતે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લગ્નના વરઘોડામાં ઘૂંસી ગઈ હતી વરઘોડામાં નાચી રહેલા ખુશખુશાલ લોકોને અચાનક જ કારે અડફેટે લેતા પરિવારમાં દુખનો માહોલ છવાઇ ગયો હતો. ઇજાગ્રસ્તોને વિવિધ દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યારે એક મહિલા સહિત બે લોકોનાં મોત નીપજ્યા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
આ અંગે પરિવારનાં સભ્યોએ જણાવ્યુ હતુ કે, વરઘોડો જઇ રહ્યો હતો મંડપમાં પહોંચવા જ આવ્યો હતો. તે દરમિયાન એક કાર 100થી વધુની સ્પીડે આવી અને જાનૈયાના ટોળામાં ઘૂસી ગઈ હતી.કારમાં ચાલક સહિત ચાર લોકો સવાર હતા જે નશાની હાલતમાં હોય તેમ લાગી રહ્યુ હતુ. જેથી લોકોએ તેમને પકડીને પોલીસનાં હવાલે કર્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ બાલાસિનોર શહેરના સેવાલીયા રોડ પર પેટ્રોલ પંપ પાસે જાનનો વરઘોડો નિકળી રહ્યો હતો. તે સમયે અચાનક લોકો પર કાર ફરી વળી હતી. જેમાં 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાતના આશરે 12થી 1 વાગે વરઘોડો બાલાસિનોર શહેરમાં ફરીને પરત ફરી રહ્યો હતો. તે સમયે સેવાલીયા બાજુથી એક સફેદ રંગની કાર આવી અને વરઘોડામાં ઘુસી ગઈ. માતેલા સાંઢની જેમ કાર વરઘોડામાં ઘુસી અને 25 જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માત સર્જાતા જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ સહિત Dysp પી.એસ.વળવી અને બાલાસિનોર PI ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે જાનૈયામાં અફરાતરફી છવાઈ હતી. ઇજાગ્રસ્તોને બાલાસિનોરની અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતમાં વરઘોડામાં નાચતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તો અન્ય એક જાનૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો.