રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ગામેગામ જન્માષ્ટમીના લોક મેળાનું આયોજન કરાયું હતું જેમાં ગોંડલમાં લોકમેળામાં વરસાદને કારણે પંજાલ ભીંજાઈ જતાં વીજળી શોક લાગવાથી ટીઆરબી જવાન અને એક ફાયરના જવાનનું મોત નિપજ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં વરસાદને કારણે મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા. ત્યારે સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા પાલિકાના ફાયરનાં કર્મચારી જતા તેને પણ કરંટ લાગ્યો હતો. બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યુ હતું કે, ગોંડલમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટને વીજકરંટ લાગતા પડી ગયા હતા ત્યારે તેને બચાવવા ફાયરમેન નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેને પણ વીજ કરંટ લાગતા બંને દાઝી ગયા હતા. જેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૂળ બનાસકાંઠાના લાડુલા ગામના વતની નરશીભાઈ એક વર્ષ પહેલા જ ફાયર સ્ટેશનમાં કર્મચારી તરીકે જોડાયા હતા. આ બનાવથી મેળાના ઉત્સાહ વચ્ચે માતમ છવાયો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગોંડલના લોકમેળામાં સંચાલકની બેદરકારી સામે આવી હતી. શહેરના સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા સંચાલિત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પંડાલ પાસે વીજપોલમાં વાયરો ખૂલ્લા હતા. વાયરો પર ટેપ મારવામાં આવી નહતી. આ બનાવમાં કોની બેદરકારી હતી તેની પોલીસ તપાસ કરી રહી છે. ટીઆરબી જવાન અને બીજા ફાયરના કર્મચારીના વીજ કરંટથી મોતના બનાવથી ફાયર વિભાગમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.