વડોદરાઃ જિલ્લાના કરજણ પાસે હાઈવે પર કન્ટનર બેકાબુ બનતા પાંચ જેટલી કાર અને એક રિક્ષાને અડફેટે લેતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 9 જેટલા લોકોને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતના બનાવની જાણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ટ્રાફિકથી 24 કલાક ધમધમતા એવા વડોદરા સુરત નેશનલ હાઈવે પર કરજણના કંડારી પાસે એક કન્ટેનર બંધ પડતા ટ્રાફિક જામ થયો હતો તેથી હાઈવેના મેઈન ટ્રેક પરથી બીજી અને ત્રીજી ટ્રેક પર વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો હતો, ત્યારે ભરૂચ તરફથી વડોદરા તરફ જઈ રહેલા અન્ય એક કન્ટેનર ચાલકે પોતાનું કન્ટેનર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આગળ ચાલી રહેલી પાંચ કાર અને એક રિક્ષાને હડફેટમાં લીધા હતા જેમાં રિક્ષા ડિવાઈડર પર ચડી ગઈ હતી. રિક્ષામાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. જ્યારે અલગ અલગ પાંચ કારમાં સવાર પ્રવાસીઓમાંથી બેનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 9 જેટલા પ્રવાસીઓને ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર સાટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતનો ભોગ બનેલી પાંચેય કાર વડોદરા અને સુરતની હોવાનું કહેવાય છે. અકસ્માતના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથિમક તપાસમાં અકસ્માતમાં મૃતક બન્ને વ્યક્તિઓ સુરતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકોના સંબંધીઓને જાણ કરી છે.