અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં કઠલાલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો.કઠલાલ નજીક ફાગવેલ પાસે નંબર વિનાના જેસીબીએ બાઈકને ટક્કર મારતા બાઈકસાવર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં જ કઠલાલ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ કઠલાલ પંથકમાં ગતરોજ નંબર વગરના ડમ્પરે અકસ્માત સર્જી બે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અકસ્માતના બનાવની સહી સુકાઈ નથી ત્યાં જ આવો બીજો અકસ્માત સર્જાયો હતો. જેમાં ફાગવેલ પાસે નંબર વગરના જેસીબીએ મોટરસાયકલને ટક્કર મારતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બે પરિવારના કુળના દિપક બૂઝાયા છે. સમગ્ર મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, કઠલાલ તાલુકામાંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પર ફાગવેલ નજીક હાઈસ્કૂલના કટ પર ગત સાંજના સમયે નંબર વગરના જેસીબીએ મોટરસાયકલ નંબર (GJ 07 BG 5346)ને ટક્કર મારી હતી. આથી મોટરસાયકલના ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ બન્ને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે બન્નેના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા.પોલીસની તપાસમા આ મરણજનારની ઓળખ થઈ હતી. જેમાં મૃતક સંજય સુનિલભાઈ રાઠોડ અને તેના મિત્ર વિપુલ ભવાનભાઈ ચૌહાણ (રહે.મપારીયા) હોવાનુ જાણવા મળ્યું હતું. આ સમગ્ર બનાવ સંદર્ભે સંજયના કૌટુંબિક સભ્ય સોમાભાઈ ધુળાભાઈ રાઠોડ (રહે.ફાગવેલ)એ કઠલાલ પોલીસમાં ઉપરોક્ત નંબર વગરના જેસીબી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં બે પરિવારો પર આફતોનો પહાડ તૂટી પડ્યો છે. મરણજનાર માંડ યુવાનીના ઉંબરે હોવાથી આ ઘટનામાં બે પરિવારના કુળનો દિપક બૂઝાયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હજી આજ હાઈવે પર ગણતરીના કલાકો પહેલા નંબર વગરના ડમ્પરે એક કારને અડફેટે લઈને બે લોકોના મોત નિપજાવ્યા હતા. ત્યારે વધુ એક નંબર વગરના વાહને અકસ્માત સર્જતા RTO વિભાગની કામગીરી સામે શંકાની સોઈ ચિંધાઈ છે. આવા નંબર પ્લેટ વગર દોડતા વાહનો પર અંકુશ ક્યારે આવશે ? RTO વિભાગ આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ જાગૃત લોકોએ કરી છે.