પાલનપુરઃ ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા જ બનેલા કે નિર્માણાધિન બ્રિજ તૂટી પડવાના બનાવો વધતા જાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અને મહેસાણામાં છેલ્લા અક દોઢ વર્ષમાં નવા કે નિર્માણાધિન બ્રિજ કે તેનો કેટલાક ભાગ તૂટી પડવાની ઘટના બાદ સોમવારે પાલનપુરમાં હાઈવે પરના આરટીઓ સર્કલ નજીક કરોડોના ખર્ચે નિર્માણાધિન બ્રિજનો સ્લેબ ધડાકા સાથે એકાએક તૂટી પડતા એક ટ્રેકટર અને રિક્ષા દબાઈ ગયા હતા. આ ઘટનામાં બેના મોત નિપજ્યા હતા. આ બનાવની તપાસ માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળે છે. કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતાં નીચે ઊભેલાં ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગયાં હતાં. જેમાં રિક્ષાચાલક દુર્ઘટના સમયે ભાગવા જતા તેના માથે સ્લેબ પડ્યો હતો. તંત્ર દ્વારા કાટમાળ દૂર કરાતા કાટમાળ નીચે દટાયેલી રિક્ષા અને તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ એક વ્યકિતનો પણ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા હતા. જિલ્લા કલેકટર સહિત અધિકારીઓએ દોડી આવી બ્રિજના કાટમાળને હટાવવાનું કામ શરૂ કરાવ્યુ હતું.
પાલનપુર આરટીઓ સર્કલ પાસેનો બ્રિજ તૂટી પડવાની ઘટનાના સીસીટીવી કૂટેજ સોશ્યલ મિડિયામાં વાયરલ થયાં હતા.જેમાં બ્રિજનો સ્લેબ તૂટવાના સમયે સામાન્ય રીતે ટ્રાફિકની અવરજવર જોવા મળી રહી છે. બ્રિજ તૂટવાનો અવાજ આવતા જ રિક્ષાનો ચાલક ભાગવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. જો કે, તે વ્યકિત ત્રણ ડગલા દૂર પહોંચે છે ત્યાં જ બ્રિજનો મહાકાય સ્લેબ તેની માથે પડતો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કાટમાળ દૂર કરાતા નીચેથી રિક્ષા અને તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરાતા અન્ય એક વ્યકિતનો મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવા બનાવેલા કે નિર્માણાધિન બ્રિજ તૂટી પડવાની ઘટનાઓ વધતા કોંગ્રેસે ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યો છે. તાજેતરમાં ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ સ્લેબ ધરાશાયી થતા કામની ગુણવત્તાને લઈ સવાલ ઊઠ્યા હતા. જે તે સમયે આ બ્રિજ ધરાશાયી થયા બાદ એજન્સી દ્વારા કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો હતો.