ભરૂચઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. આજે એક અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જિલ્લાના જૂના નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરમાં ગડખોલ ફ્લાયઓવરના ટી બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજયા હતા. જ્યારે પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી .ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા . જ્યાં ઇજાગ્રસ્તોની તબિયત સુધારા ઉપર હોવાની જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની એવી વિગત મળી છે કે, ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતો 25 વર્ષીય ફરહાન ઉસ્તાદ અને ઝારખંડનો મિત્ર કાર નંબરમાં ભરૂચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. મધરાતે અઢી વાગ્યે પુરઝડપે પસાર થતી વેળા ગડખોલ ફ્લાય ઓવરબ્રિજ નજીક તેમણે આર્ટિગા કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં પહોંચી ગઈ હતી. કહેવાય છે કે, ઠંડકના વાતાવરણમાં કાર ચાલકને ઝોકું આવી ગયું હોવાના કારણે વાહન બેકાબુ બની ડિવાઈડર સાથે અથડાઈને સામેના રોડ પર ધસી ગયું હોવાનું માનવામાં આવે છે. બેકાબુ કાર ઉપર ચાલક કાબુ મેળવે તે પૂર્વે કાર સામેની લેનમાં આવી રહેલી એસ.ટી.બસ નંબર- જી.જે 18. ઝેડ 7633 માં કાર ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બે વાહનો વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે એસટી બસને પણ ઘણું નુકસાન થયું હતું. અકસ્માતના પગલે અન્ય વાહનચાલકોએ તાત્કાલિક દોડી આવી વાહનના કાટમાળમાંથી બે ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી બીજી તરફ બસમાં સવાર જીતેન ઠાકોર, હકુભાઈ સહિત અન્ય 5 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર બંને યુવાનોનું ગંભીર ઇજાઓને પગલે મોત નિપજયા હતા. અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો જ્યારે ST બસનો આગળનો ભાગે નુકસાન પહોંચ્યું હતું.