ખેરાળુ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેના મોત, ખાત્રજ પાસે બે બાઈક અથડાતા 1નું મોત
અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ખેરાળુ-સિદ્ધપુર હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર એક યુવાનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ખેરાલુ- સિદ્ધપુર હાઇવે પર રામદેવપીરના મંદિર મલેકપુર ગામ નજીક પૂરફાટ ઝડપે આવી રહેલા ડમ્પરે કારને ટકકર મારતા કાર પલટી મારીને રોડની સાઈડમાં ખાબકી હતી. આ અકસ્માતમા વલાસણા અને મલેકપુર ગામના બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જો કે, અકસ્માત સર્જી ડમ્પરચાલક ડમ્પર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતને પગલે અન્ય વાહનચાલકો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બનાવની પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. ખેરાળુ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, મહેમદાવાદ ખાત્રજ ચોકડી નજીક રોંગ સાઈડથી પૂરફાટ ઝડપે આવેલી બાઈક સામેથી આવતી બાઈક સાથે અથડાતા બન્ને બાઈકસવારો રોડ પર પટકાયા હતા. જેમાં અક બાઈકસવારનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, આ અકસ્માતના બનાવમાં ખેડા એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી મહેશભાઈ ચૌહાણનું મોત થયું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.