ચોટિલા નજીક ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં બેના મોત, બન્ને તરફ ચાર કિમી. સુધી ટ્રાફિક જામ
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક વણકી બોળકી પાસે હાઇ–વે પર કાર પર ડમ્પર પલટી ખાઇ જતાં બેના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ચોટીલા અને સાયલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતને કારણે હાઈવેની બન્ને બાજુએ ચાર કિ.મી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે આજે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતાં કારમાં સવાર સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર પર વિશાળ ડમ્પર પડતાં કારનું પડીકું વળી ગયું હતું. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
મળતી માહિતી મુજબ, જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. ત્યારે વણકી ગામના પાટિયા પાસે કાર પહોંચતાં ડમ્પર એના પર પલટી ખાઈને પડ્યું હતું. કારમાં સવાર બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. કારમાં ફસાયેલી એક મહિલા અને એક બાળકને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંનેને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ચોટીલા-સાયલા હાઇવે પર અકસ્માતની આ ગોઝારી ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા. હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચોટીલા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ટ્રાફિક પુન: ચાલુ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ ચલાવી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચોટિલા સાયલા વચ્ચે હાઈવે પર પલટી ખાઇ ગયેલા ડમ્પરને લીધે બન્ને સાઇડ ચાર કિલોમિટર વાહનોની કતાર લાગી ગઇ હતી. અને દોઢેક કલાકથી વધુ સમયથી વાહનો બન્ને સાઇડ ફસાયેલા પડયા હતાં. પોલીસે ક્રેઇન અને જેસીબી જેવા સાધનો મગાવી રસ્તા પર અન્ય વાહન પર આડા પડેલા ડમ્પરને હટાવવા માટેની તેમજ કારમાં ફસાયેલા અને ઇજાગ્રસ્ત વ્યકિતને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.