- રાધનપુર ધોરીમાર્ગ પરના આડેસરા નજીક મધરાતે સર્જાયો અકસ્માત,
- અકસ્માતને લીધે રાત્રે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા,
- આડેસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધા વધુ તપાસ હાથ ધરી
ભૂજઃ કચ્છ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આડેસર પાસે અકસ્માતના વધુ એક બનાવમાં ટ્રેલર અને ટેન્કર સામસામે ટકરાતા બેના મોત નિપજ્યા હતા, કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર નજીક મધ્ય રાત્રે ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર અને ટેન્કરમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો છે. ઘટનાના પગલે ટ્રાફિક જામ થયો હતો, જોકે આડેસર પોલીસ અને માંખેલ ટોલ પ્લાઝાની હાઇવે પેટ્રોલીંગ ટીમે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રણ કર્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર હતભાગીઓના મૃતદેહોને પલાસવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની પોલીસ સૂત્રોમાંથી એવી વિગતો જાણવા મળી છે કે, ગત મધ્ય રાત્રિના અરસામાં રાધનપુર ધોરીમાર્ગ પરના આડેસર – બામણસર વચ્ચેના માર્ગે ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરની ચાલક કેબિનનો બુકડો બોલી ગયો હતો. જેમાં સવાર સાલમાન અને ભુરેખાન નામના બે વ્યક્તિઓના ગંભીર ઇજાઓના કારણે સ્થળ પરજ મૃત્યુ નિપજયા હતા જ્યારે અન્ય એકને ઇજા પહોંચી હતી. આ અકસ્માતના બનાની જાણ છતાં જ આડેસર પોલીસ અને માંખેલ ટોલ પ્લાઝાની હાઇવે પેટ્રોલીંગ ટીમે ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ટ્રાફિકને ક્લિયર કરાવીને અકસ્માતનો ભોગ બનેલા બન્ને મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી, આ અકસ્માત અંગે આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.