Site icon Revoi.in

ગાંધીનગર નજીક કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બેના મોત

Social Share

અમદાવાદઃ ગાંધીનગરના ચિલોડા નજીક પૂર ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર હોટલ માલિક અને સગીરનું મોત થયું હતું. ટાયર ફાડતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી સગીર બાળકની લાશ બહાર કાઢી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સરગાસણ વિસ્તારમાં રહેતાં વિનોદભાઈ જયરામભાઈ પટેલ હોટલ ચલાવે છે. દરમિયાન તેઓ રાજસ્થાનથી કારીગર જગદીશ આસોડા (ઉ.વ. 17) સાથે ચીલોડા-હિંમતનગર હાઈવે પર ધણપ પાસેથી પસાર થતા હતા. દરમિયાન તેમની કારનું ટાયર ફાટ્યું હતું. જેનાં કારણે તેમણે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત થતાં જ કારની સેફ્ટી બેગ પણ ખૂલી ગઈ હતી. જોકે, ઝાડ સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઈ હોવાથી બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ દોડી આવ્યા હતા અને વિનોદભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિનોદભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે જગદીશ ગંભીર રીતે કારમાં ફસાઈ ગયો હોવાથી ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી તેને બહાર કાઢ્યો હતો. જો કે ત્યાં સુધીમાં જગદીશનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માર્ગ અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.