અમદાવાદઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધુ બે અકસ્માત સર્જાતા બેનાં મોત નિપજ્યા હતા. જેમાં કાંકરિયા પાસે પૂરફાટ ઝડપે કારે બાઇકને ટક્કર મારતા બાઈકસવાર યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે એસ.પી. રીંગરોડ પર ડમ્પરે બુલેટને ટક્કર મારતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના નારોલમાં રહેતા આશિષ રમેશભાઇ ભાવસાર ગત 3 ડિસેમ્બરે રાત્રિના સમયે બાઈક લઈને આટો મારવા નીકળ્યો હતો. ત્યારે કાંકરિયા પાસે પહોંચ્યો ત્યાં પૂરઝડપે આવી રહેલી કારે બાઇકને ટક્કર મારતા બાઈકસવાર આશિષ રોડ પર પટકાયો હતો. અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ લોકો દાડી આવતા કારચાલક ત્યાંથી ભાગી ગયો હતો અને સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત આશિષને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ ફરજ પરના હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.
શહેરમાં બનેલા બીજા અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના નિકોલમાં રહેતા સંજયકુમાર હિરાગર દ્વીચક્રી વાહનો લે-વેચનો ધંધો કરે છે. જેમાં તેમના 61 વર્ષીય પિતા પ્રકાશભાઇ પોતાના કામ અર્થે સોમવારે સવારે એસ.પી.રીંગ રોડ પરથી બુલેટ લઈને પસાર થતા હતા, ત્યારે હોટલ મેરીગોલ્ડ પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે તેમના બુલેટને ટક્કર મારતા તેઓ જમીન પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.