ડેડીયાપાડા, રાજપીપળા અને કરજણ નજીક અકસ્માતના ત્રણ બનાવમાં બેનાં મોત, એકને ઈજા
રાજપીપળાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં નર્મદા જિલ્લામાં જુદા જુદા અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની માંચ ચોકડી પાસે, માંડણ ગામ બસ સ્ટેન્ડ પાસે, અને રાજપીપળા કરજણ ઓવારા પાસે અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક મહિલા સહિત બેના મોત થયા હતા અને એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામના મનીષ રમેશભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈ ડેડીયાપાડાની માંચ ચોકડીથી કાંટીપાડા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટાટા મેજિક ફોરવ્હીલ સાથે અકસ્માત થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જ્યારે બીજો અકસ્માતને બનાવ નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે ડીઓ મોપેડ અને મહેન્દ્રા બોલેરો પીકઅપ જીપ વચ્ચે સર્જાતા મોપેડ પાછળ બેસેલા મહિલા આરતીબેન વસાવાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે મોપેડ ચાલક ચિરાગ વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતો.
અકસ્માતની ત્રીજો બનાવ રાજપીપળાની કરજણ નદી ઓવારા પાસે સર્જાયો હતો. જેમાં ચાલક બાઈક ગફલતભરી રીતે ચાલવી રહ્યો હતો. ત્યારે આગળ ચાલી રહેલી ઈકો કારની ઓવરટેક કરતી વખતે બાઈકનું સંતુલન ગુમાવી દેતા બાઈક ઈકો કારના બોનેટ સાથે અથડાતા બાઈક ચાલકને શરીરના ભાગે ઓછી વત્તી ઈજાઓ થતાં તેને સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના ત્રણેય બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.