Site icon Revoi.in

વિસનગરના તરભ ગામ નજીક ઈકો કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, ત્રણને ઈજા

Social Share

મહેસાણાઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વિસનગરના તરભ ગામ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કાર અને તુફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળે છે કે, વિસનગર તાલુકાના તરભ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તરભ ગામ નજીક રોડ પર ચાલતી કામગીરીને લઈ ડાયવર્ઝન આપવામાં આવેલું છે. જેને લઇ રોડની એક સાઈડમાંથી વાહનો બન્ને બાજુ પસાર થતા હતા.ત્યારે ઊંઝા તરફથી આવી રહેલી ઇકો કાર અને વિસનગર તરફથી આવી રહેલી તુફાન જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. જ્યારે છને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ આવી પહોંચી હતી અને હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  વિસનગરના તરભ ગામ નજીક ઇકો કારમાં ઊંઝાથી લોકિક ક્રિયા કરી પરત આવી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં લોકિક ક્રિયા કરી પરત ઇકો કાર લઈ વિસનગર જઈ રહ્યા હતા, તે દરમિયાન તરભ ગામ નજીક વિસનગરથી આવી રહેલી તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર કંસારા ગજેન્દ્ર કાંતિલાલ અને કંસારા રાજુભાઈ રસિકભાઈ બન્નેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે છ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે મૃતકોના પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.