પાલનપુરઃ પાટણ અને બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાધનપુર-સાતલપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વારાહી નજીક નવાગામ પાસે ટ્રક- ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેલર હાઇવેથી નીચે ઉતરી પલટી મારી જતા ડ્રાઇવર સહિત ટ્રેલરમાં સવાર 16 વર્ષના કિશોરનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે. કે, રાધનપુર સાંતલપુર નેશનલ હાઈવે ઉપર ટ્રેલર નંબર જી.જે 12 બીવી 5534ના ચાલક સુબેખાન અફરફખાન ઉ.વ 67 સાથે અન્ય ત્રણ ઈસમો પાવડર ભરી કંડલા તરફ જઈ રહ્યા હતાં.શનિવારે વારાહી નજીક આવેલા નવાગામ પાસે ચાલક સુબેખાને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર રસ્તા ઉપરથી ઉતરી પલટી મારી ગયું હતું. ટ્રેલર પલટી મારતાં ગમખ્વાર અકસ્માતમાં ચાલક સુબેખાન અને અંદર સવાર 16 વર્ષના યુવકનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત થયુ હતું. જ્યારે ટ્રેલરમાં બેઠેલા અન્ય બે ઇસમોને શરીરે ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે રસ્તાઓ પર લોકોના ટોળાં વળતા ઇજાગ્રસ્તોને વાહન મારફતે રાધનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મામલે પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથધરી હતી
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી રોડ અકસ્માતના બનાવમાં વધારો થયો છે. પૂરફાટ રોકેટ ગતિએ દોડતા વાહનોના ચાલકો વાહનોના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માતો સર્જાતા હોય છે.