Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બેના મોત

Social Share

લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતો રહે છે. અને પૂરફાટ દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે લીંબડીના જનશાળી પાટિયા પાસે કારની અડફેટે બાઈકસવાર બે જણાના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા બનાવમાં સાયલા નજીક એક કારમાં આગ લાગી હતી, જોકે કારમાં બેઠેલા 5 પ્રવાસી સલામતરીતે બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો.

પ્રથમ બનાવની વિગતો એવી છે કે, લીંબડી – અમદાવાદ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જેમાં લીંબડીના જનશાળી ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી બન્ને મૃતકોની લાશને લીંબડી આર.આર.હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. લીંબડી – અમદાવાદ હાઇવે પર સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે બંને મૃતકોના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

બીજા બનાવની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સિધ્ધસર રોડ પર અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં આગમા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ જતાં મોટું નુકશાન આવ્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળે દોડી આવેલા લોકો આ આગ પર પાણીનો મારો ચલાવે એ પહેલા તો કાર લોકોની નજર સામે જ પળવારમા બળીને સ્વાહા થઇ થઇ ગઇ હતી.