ભાવનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ભાવનગર-સિહોર હાઈવે પર રાજપરા ગામ પાસે પુરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ડમ્પર સાથે તેનો ચાલક પલાયન થઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર-સિહોર હાઈવે પર રાજપરા ગામે ખોડિયાર મંદિર ચોકડી પાસે એક ડમ્પર ચાલકે બાઈક સવાર બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને આધેડના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. પોલીસ સૂત્રોના કહેવા મુજબ સિહોરમાં રહેતા પપ્પુ કુરેશી અને હાસમ કુરેશી નામના બે વ્યક્તિઓ બાઈક પર સિહોરથી ભાવનગર તરફ આવી રહ્યાં હતાં, તે વેળાએ ખોડિયાર મંદિર ચોકડી પાસે પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા રોડપર પર પટકાયેલા બંને બાઈક સવારોને ગંભીર ઈજા પહોંચી હતી, અને અને બન્ને બાઈકસવારોને તત્કાળ કોઈ તબીબી સારવાર મળે એ પહેલાં ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો, જયારે સિહોર પોલીસને મૃતદેહોનુ સ્થળ પર પંચનામું કરી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર-રાજકોટ હાઈવે પર તેમજ અંતરીયાળ માર્ગો પર હેવી લોડેડ ડમ્પરો, ટ્રક સહિતના વાહનો પૂરફાટ ઝડપે દોડતા હોય છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગો હોય કે ગામડાંના સાંકડા રસ્તાઓ, તમામ રસ્તાઓ પર હેવી લોડીંગ ભરેલા ટ્રકો પુરઝડપે દોડતા હોય છે, ત્યારે પાલીસે ડ્રાઈવ કરીને પુરફાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે પગલાં લેવાની માગ ઊઠી છે.