સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ધ્રાંગધ્રા હાઈવે પર સુસવાવ ગામના પાટિયા નજીક બન્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેકટરે સામેથી આવી રહેલા બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવતીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે ટ્રેકટરનાચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ધ્રાંગધ્રા હળવદ હાઇ-વે પર બપોરના સમયે લગ્ન પ્રસંગમાંથી બે બહેનો અને એક ભાઇ બાઈક પર પરત પોતાના ગામ જેતપર જઈ રહ્યા હતા. ત્યારે સુસવાવ ગામના પાટીયા નજીક સામેથી આવી રહેલા ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા એક બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચી હોય જેથી આ બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જો કે રાત્રિના સમયે ભાઈનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જેતપર ગામે રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ કોળી ( ઉ. વ. 18 ) હેતલ ચંદુભાઈ કોળી ( ઉ. વ.23) અને તેમની કાકાની દીકરી પાયલ રાજુભાઈ કોળી ( ઉ.વ. 20 ) આ ત્રણેય ભાઈ- બહેન રાણેકપર ગામે માસીના દીકરાના લગ્ન પ્રસંગમાં ગયા હતા. જાન ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ગઈ હોય જેથી ગોપાલગઢ ગામે બપોરે જમીને પરત બાઈક પર જેતપર પરત જઈ રહ્યા હતા, ત્યારે ધ્રાંગધ્રા હળવદ હાઇ-વે પર આવેલા સુસવાવ ગામના પાટીયા નજીક રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ હેતલ ચંદુભાઈ કોળીનું મોત નીપજ્યું હતુ. જ્યારે તેના નાના ભાઈ પ્રકાશને ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. તેમજ પાયલબેન રાજુભાઈ કોળીને પણ ઈજા પહોંચી હોય જેથી તેઓને નજીકની હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી. જોકે અમદાવાદમાં સારવાર દરમિયાન પ્રકાશનું મોત નીપજતા એક જ પરિવારમાં સગા ભાઈ બહેનના મોતથી ગમગીની વ્યાપી ગઈ હતી. બીજી તરફ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પાયલબેન રાજુભાઈ કોળીની ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.