- સ્પોર્ટ્સ બાઈકના ચાલક સામે ગુનો નોંધાયો,
- અકસ્માતમાં બન્ને બાઈકનો કચ્ચરઘાણ નિકળ્યો,
- સ્પોર્ટ બાઈકચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ચુડામાં રેલવે સ્ટેશન રોડ પર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. આ બનાવમાં સ્પોર્ટ્સ બાઈકચાલક સામે ગુનો નંધવામાં આવ્યો છે.
ચુડા રેલવે સ્ટેશન નજીક 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક પર સવાર 2 યુવકોના મોત થયા હતા. જ્યારે સ્પોર્ટ્સ બાઈકચાલકને ઈજા પહોંચી હતી. બનાવના ત્રીજા દિવસે અકસ્માત સર્જી 2 યુવાનોના મૃત્યુનું કારણ બનનારા સ્પોર્ટ્સ બાઈકના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, ફોટોગ્રાફીનું કામ કરતા મહેશભાઈ મકવાણા અને હોમગાર્ડ જવાન જનકભાઈ પરમાર મોટરસાયકલ લઈને લીંબડી તરફ આવી રહ્યા હતા. ત્યારે ચુડા રેલવે સ્ટેશન નજીક જય કાંતિલાલ પટેલ પોતાનું સ્પોર્ટ્સ બાઈક તેજ ગતિથી ચલાવી સામેથી આવી રહ્યો હતો. તેજ ગતિને કારણે જય પટેલે સ્પોર્ટ્સ બાઈક પરનો કાબુ ગુમાવી સામેથી આવી રહેલા મહેશભાઈના મોટરસાયકલ સાથે તેનું સ્પોર્ટ્સ બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. સામસામે ભટકાયેલા બન્ને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મહેશભાઈ અને જનકભાઈનું મૃત્યુ થયું હતું. સ્પોર્ટ્સ બાઈક ચાલક જય પટેલ ઘાયલ થયો હતો. ફોટોગ્રાફર અને હોમગાર્ડ જવાનના મૃત્યુથી ચુડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવના ત્રીજા દિવસે મૃતક જનકભાઈના 24 વર્ષિય પુત્ર પરિમલ પરમારે અકસ્માત સર્જનાર સ્પોર્ટ્સ બાઈક ચાલક જય કાંતિલાલ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.