- બન્ને બાઈક ફુલ સ્પીડમાં સામસામે અથડાતા યુવાનો રોડ પર પટકાયા,
- અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ-108ને જાણ કરી,
- અકસ્માતમાં એક યુવાની હાલત ગંભીર
હિમતનગરઃ સાબરકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં હિંમતનગર તાલુકાના વાટડી ગામ નજીક ગત રાત્રીએ બે બાઈક સામસામે ટકરાતા બે બાઈક ચાલક યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે એક બાઈક સવારને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બે મૃતદેહોને ગાંભોઈ સરકારી દવાખાને પીએમ માટે ખસેડ્યા હતા. જ્યાં પીએમ કર્યા બાદ આજે પરિવારજનોને મૃતદેહો સોપ્યા હતા અને ગાંભોઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, હિંમતનગરના ગાંભોઈથી ભિલોડા તરફ જવાના સ્ટેટ હાઈવે પર મંગળવારે રાત્રે બામણા ગામના કૌશિક જશુભાઈ પંચાલ બાઈક પર તેના મિત્ર વિશાલ દરજીને લઈને બંને જણા ભિલોડાના જનાલી ગામે જતા હતા. ત્યારે વિજયનગરના ચિત્રોડી ગામના મહેશ વાલજીભાઈ નીનામા પોતાની બાઈક લઈને ભિલોડાથી ગાંભોઈ તરફ આવતા સમયે વાટડી ગામે બે બાઈકો સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઈક ચાલક યુવાનોના ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યા હતા. જ્યારે બાઈક પર સવાર વિશાલ દરજીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા સ્ટેટ હાઈવે પર વાંટડી બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક સામસામે ટકરાતા હતા. બંને બાઈક પર કુલ ત્રણ યુવકો સવાર હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બંને બાઈકના સ્પેરપાર્ટ્સ અલગ પડી ગયા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકોએ અકસ્માતનો ભોગ બનેલા યુવકોને બચાવવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. 108 એ આવીને અકસ્માતનો ભોગ બનેલા યુવકોને સારવાર આપી હતી, પરંતુ આમ છતાં પણ બે યુવકોને બચાવી શકાયા ન હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે એકને પ્રાથમિક સારવાર આપી ગંભીર ઈજાની સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.