પાટણઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે રાધનપુર-સાંતલપુર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરફાટ ઝડપે જતી ટ્રકે એકાએક બ્રેક મારતા પાછળ આવી રહેલી બે ટ્રકો એકબીજા સાથે ભીડાઈ ગઈ હતી. જેમાં એક ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર ટ્રકની કેબીનમાં ચગદાઈ ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે પસાર થતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવ સર્જાતા હોય છે. ત્યારે સવારે સાંતલપુર-પીપરાળા હાઇવે નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. પીપરાળા નજીક હાઇવે પર પૂરફાટ ઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી અન્ય બે ટ્રક ઘૂસી ગઇ હતી. જેમાં છેલ્લી ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર અંદર જ ચગદાઇ ગયા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા ગામ નજીક સોમવારે વહેલી સવારે એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારી દાખવી રોડની વચ્ચોવચ્ચ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બંને ટ્રક એક પછી એક એમ ઘૂસી ગઇ હતા. જેમાં છેલ્લી ટ્રક જે કચ્છ તરફથી આવતી હતી. જેના ડ્રાઇવર કંડક્ટરનું મોત નિપજ્યું હતું જ્યારે વચ્ચેની ટ્રકના ડ્રાઇવર કંડક્ટર ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રેકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃત મૃતદેહ બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટણ જિલ્લાના હાઇવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે.. ગત મહિને જ રાધનપુર-વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર સાત લોકોનાં મોત નીપજ્યા હતા. તો 11 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.