- બાઈલર ફાટતા સર્જાઈ દુર્ઘટના
- એક શ્રમજીવીનું ઘટના સ્થળે થયું હતું મોત
અમદાવાદઃ ભાવનગરની એક ફેક્ટરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા દરમિયાન અચાનક ભેદીસંજોગોમાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં બે શ્રમજીવીઓના મોત થયા હતા. જ્યારે 3 શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિહોર જીઆઈડીસીની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં બોઈલર ફાટતા દૂર્ઘટના સર્જાયાનું ખૂલ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સિહોર GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન બોયલરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં રતિલાલ નામના શ્રમજીવીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં ચાર શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
આ દૂર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 4 શ્રમજીવીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરસોત્તમભાઈ નામના શ્રમજીવીઓનું મૃત્યુ થયું હતું. આમ આ બનાવમાં મૃત્યુઆંક વધીને બે ઉપર પહોંચ્યો હતો. જ્યારે 3 શ્રમજીવીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. હાલ ત્રણેય શ્રમજીવીઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે. સિહોર જીઆઈડીસીમાં આવેલી એક ફેકટરીમાં અચાનક બ્લાસ્ટ થતા આસપાસની ફેકટરીમાં કામ કરતા શ્રમજીવીઓ અને તેના સંચાલકો પણ ડરી ગયા હતા અને બનાવ સ્થળ પર દોડી ગયા હતા.