સુરેન્દ્રનગરઃ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ નૌશાદ સોલંકીના પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો, યુવા સાથીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સાથે નાનપણનો સબંધ છે. સુરેન્દ્રનગરમાં એન ટીએમ હાઇસ્કુલમાં ભણેલા છું. ભોગાવોનું પાણી પણ પીધેલુ છે અને ભોગાવોની રેતીમાં રમેલા છું. આ જિલ્લા સાથે જુનો સબંધ છે, એટલે જ્યારે તેઓ નર્મદાવિભાગના મંત્રી હતા ત્યારે આ જિલ્લાની પાણીની સમસ્યા પર વિશેષ મહેનત કરેલી એ સમયે જેટલો કમાંડ એરીયા નક્કી કરેલો તેનુ કામ આજ સુધી આ સરકારે પુરુ કર્યુ નથી. આ વિસ્તાર એ મુખ્ય ખેતી આધારીત વિસ્તાર છે, તેના માટે સિંચાઈનું પાણી ખુબ જરૂરી છે. એ સમયે કેનાલની ડીઝાઇન એવી બનાવેલી કે 30 વર્ષ સુધી તેને કશુ થાય નહી, પણ ભાજપ શાસનમાં કેનાલમાં વારંવાર ગાબડા પડવાના સમાચાર આવે છે, અને સરકાર એવા બહાના કાઢે છે કે ઉંદરના કારણે ગાબડા પડ્યા સાચુ હશે પણ આ ઉંદર ચાર પગ વાળા નહી બે પગ વાળા કમળનો ખેસ પેહરનારા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં ટેક્ષટાઇલ પાર્ક વિશે વડાપ્રધાન વર્ષોથી વાયદાઓ કરે છે, પણ કોઇ ટેક્ષટાઇલ પાર્ક બન્યો નહીં, જ્યારે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત મોકલવાની આવી ત્યારે ગુજરાત સરકારે સુરેન્દ્રનગરની દરખાસ્ત મોકલી જ નહી, દેશ આઝાદ થયો, ત્યારે દેશમાં એક સોય પણ બની શક્તી નહોતી એના બદલે કોંગ્રેસ સરકારોએ સોયથી લઈ સેટેલાઈટ, તોપો બનાવાના કારખાના આ દેશને આપ્યા. આઇ.આઇ. એમ., આઇ.આઇ.ટી., જેવી શિક્ષણ સંસ્થાઓ આપી, આ સરકાર પ્રાથમિક શાળાઓમાં ઓરડા પુરા પાડી શક્તી નથી. કોંગ્રેસની સરકારોએ મોટા માટા ડેમ બનાવ્યા જ્યારે ભાજપની સરકારે બોરીબંધો બનાવ્યા સીમેંટની થેલીમાં રેતીભરી નાળા રોકી ફોટાપાડી આ બોરીઓ પાછી ટ્રેક્ટરમાં ભરી બીજા નાળા પર ગોઠવી ફોટા પાડી અને બીલો બનાવી બનાવીને રૂપીયા ખાવાનું કામ કર્યુ છે. આગામી લોકસભામાં સુરેન્દ્રનગરના લોકોએ પરીવર્તનની શરૂઆત કરવી પડશે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શિક્ષણ દિવસે દિવસે મોંઘુ થતું જાય છે, આરોગ્ય સેવા કથળી ગઈ છે, કાયદો વ્યવસ્થા સ્થિતિ નાજુક છે. યુવાનોને રોજગાર મેળવવા ફાંફા પડી રહ્યા છે. દવા અને ડ્રગ્સના કારણે રાજ્યના યુવાનોની જીંદગી બરબાદ થઈ રહી છે. ભ્રષ્ટાચારે માજા મુકી છે. સુરેન્દ્રનગરની જનતાને પડતી મુશ્કેલી માટે વાચા આપવા કોંગ્રેસ પક્ષ પ્રતિબધ્ધ છે.
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જુસ્સાભેર સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે સૌએ સાથે મળીને દેશ બચાવવા – સંવિધાન બચાવવા માટે લડવાનું છે. ભાજપ સરકારમાં જનતાનો અવાજ સાંભળવામાં આવતો નથી ત્યારે આપણે સૌ સાથે મળીને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા માટે કામ કરીએ.