ગીર ગઢડામાં બે દીપડાં રહેણાંક વિસ્તારમાં ઘૂંસી ગયા, બે લોકો પર હુમલો કર્યા બાદ પાંજરે પુરાયાં
ઊનાઃ ગીર સોમનાથ જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ સતત વધી રહી છે, જેના કારણે દીપડાનો વસવાટ વધી રહ્યો છે વન્ય પ્રાણીઓ હવે તો રહેણાક વિસ્તારમાં ઘુસી રહ્યા છે. ત્યારે આવી એક ઘટના ગીર ગઢડામાં બની હતી. શહેરના અતિગીચ વિસ્તાર એવા માનવ વસાહત વચ્ચે બે દીપડા ઘૂસી જતાં બહાર નીકળી શક્યા નહીં અને ઘરમાં પુરાઈ ગયા હતા. જ્યાં ઘરમાં હાજર બે લોકો પર હુમલો કર્યા બાદ રેસ્ક્યૂ માટે આવેલા એક ફોરેસ્ટ વિભાગના કર્માચારી પર પણ હુમલો કર્યો હતો,
વન વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગીરગઢડામાં સુખનાથ ચોક નજીક રહેણાંક વિસ્તારમાં આવેલા બે અલગ અલગ રહેણાંક મકાનમાં બે દીપડા ધુસી જતાં આ વિસ્તારમાં વસતા લોકોમાં અફરાતફડી મચી ગઈ હતી. જેમાં એક મહિલા તથા એક બાળક અને એક ફોરેસ્ટર કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતાં. જેમાં એક મહિલાને ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વનવિભાગ તથા ગીરગઢડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી દીપડાઓને બેભાન કરી રેસ્ક્યૂ કર્યું હતું. બંને ખુંખાર દીપડાઓને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગીર ગઢડાના સુખનાથ ચોક નજીક રહેણાંક મકાનમાં બે દીપડા ધુસી ગયા હતા. જેમાં કમલેશભાઈ ગોકુળદાસ ચાંદારાણીના રહેણાંક મકાનની અગાસી ઉપર પાણીનો ટાંકો આવેલો છે. તેમાં પાણી છે કે કેમ તે જોવા માતા-પુત્ર જોવા ગયા હતા. ત્યારે અચાનક દિપડો ઘરમાં ધુસી ગયો હતો અને અગાસી ઉપર ચડતાં પ્રથમ રિસિત ઉપર હુમલો કરી દેતા તેમની માતા અલ્કાબેને દીપડાના મુખમાંથી પુત્રને છોડાવતા તેના ઉપર પણ હુમલો કરતા માતા-પુત્ર રાડારાડ કરવાં લાગ્યા હતા. જેથી આજુબાજુના લોકોને અવાજ સંભળાતા એક યુવાને દીપડાના મુખમાંથી બંનેને છોડાવ્યા હતા. દરમિયાન ઘર કામ કરતા અલકાબેન કમલેશભાઈ ચાદરાણી અને રિસિતભાઈ કમલેશભાઈ ચાદરાણી દીપડા સામે આવતા હુમલો કરતા દેકારો મચ્યો હતો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
આ ઘટનાની જાણ થતાં ગીર પૂર્વના ડી.સી.એફ.રાજદીપ સિંહ ઝાલાએ ઘટનાની ગંભીરતા દાખવી બાબરીયા રેન્જ, જસાધાર રેન્જ બંને રેન્જની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચાડી લોકોના ટોળા એકઠા થતા ગઢડા પોલીસની પણ મદદ લીધી હતી. દરમિયાન ફોરેસ્ટર ગાર્ડ ધાબા ઉપર ચડતા દીપડીએ સામે તરાપ મારી હુમલાની કોશિશ કરી હતી. જેથી ફોરેસ્ટર ગાર્ડ ડી.પી.સરવૈયા ઉપરથી નીચે પટકાયા હતા. જેથી તેમને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.