Site icon Revoi.in

રાજુલા-પીપાવાવ વચ્ચે રેલવે ટ્રેક પર બેઠેલા બે સિંહને ટ્રેનના લોકોપાયલોટે બચાવી લીધા

Social Share

ભાવનગર :  અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. જેમાં રાજુલા પંથકમાં સિંહોએ નવુ રહેઠાણ બનાવ્યુ હોવાથી આ વિસ્તારમાં હાઈવે પર તેમજ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ જોવા મળતા હોય છે. ત્યારે રાજુલા-પીપાવાવ રેલવેના ટ્રેક પર બે સિંહ બેઠેલા હતા ત્યારે જ ગુડ્ઝ ટ્રેન પસાર થઈ રહી હતી. દરમિયાન વન વિભાગના ટ્રેકરએ લાલ બત્તી બતાવીને ગુડ્ઝ ટ્રેનના લોકોપાયલોટને જાણ કરી હતી આથી લોકોપાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી દેતા ટ્રેક પર બેઠેલા બન્ને સિંહનો બચાવ થયો હતો.

ભાવનગર રેલ્વે મંડળ સિંહો અને વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. રેલવે મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાના કારણે આ વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 44 સિહોંના જીવ બચ્યા છે. જ્યારે 19 ઓગસ્ટ, 2024 ના રોજ લોકો પાઇલટ વિવેક વર્મા, હેડક્વાર્ટર સુરેન્દ્રનગર અને સહાયક લોકો પાઇલટ રાહુલ સોલંકી, હેડક્વાર્ટર બોટાદની સતર્કતાના  કારણે વધુ બે સિંહના જીવ બચ્યા હતા.

લોકો પાયલટ ગુડ્સ ટ્રેન નંબર PPSP/ ICDD D/S, પર પીપાવાવ – રાજુલા સેક્શનમાં કિ.મી. 21/8 પર 05.30 વાગ્યે કામ કરી રહ્યા હતા. જે દરમિયાન ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ અને ભોલાભાઈએ લાલ બત્તી બતાવી માહિતી આપી હતી કે રેલ્વે ટ્રેક પર 2 સિંહો બેઠા છે. જે લાલ બત્તીને જોઈને લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી. થોડા સમય પછી, ફોરેસ્ટ ટ્રેકર તરફથી ટ્રેક ક્લિયર થવાના સંકેત મળ્યા બાદ, ટ્રેનને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ ખસેડવામાં આવી હતી. લોકો પાયલટની પ્રસંશનીય કામગીરીની ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.(File photo)

#LionConservation | #RailwaySafety | #WildlifeProtection | #GujaratLions | #BhavnagarNews | #ForestDepartment | #TrainSafety | #WildlifeRescue