વડોદરાઃ લોકોને છેતરીને ઠગવાના બનાવો વધતા જાય છે. જ્યોતિષ જોવાના બહાને લોકોના ઘરમાં ધૂંસીને વશીકરણ કરીને લૂંટ કરનારા બે મદારીઓને પોલીસે પકડી લીધા હતા જ્યારે એક આરોપી રફુચક્કર થઈ ગયો હતો. વડોદરા નજીક આવેલા કરજણમાં એક વ્યક્તિને જ્યોતિષ જોવાના બહાને વશીકરણ કરી દાગીના ઉતારી ફરાર થઇ ગયેલી મદારી ગેંગનો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. પોલીસે ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા, તેમજ ગેંગના સાગરીત તેમજ દાગીના ખરીદનાર સોનીને વોન્ટેડ જાહેર કરીને બન્નેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે ઝડપાયેલા બે સાગરીતો પાસેથી કાર અને બે મોબાઇલ ફોન કબજે કર્યાં હતા. મદારીનો વ્યવસાય બંધ થઇ જતાં આ ટોળકીએ લોકોનું જયોતિષ જોવાના બહાને વશીકરણ કરી દાગીના પડાવવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ કરજણના લુહાર વાસમાં રહેતા ભીમાભાઇ પીરાભાઇ લુહારને કારમાં આવેલી ટોળકી ભટકાઇ હતી. ટોળકીએ ભીમાભાઇને જ્યોતિષ જોઈ આપવાના બહાને સંમોહિત કરી દીધા હતા અને ગણતરીની મિનિટોમાં આ ટોળકી ભીમાભાઈએ પહેરેલું માતાજીના ફોટાવાળુ સોનાનું પેન્ડલ, સોનાની બે નંગ વીંટી મળી રૂપિયા 2 લાખની કિંમતના 5 તોલા સોનાના દાગીના લઈને રફૂચક્કર થઇ ગયા હતા. દરમિયાન તેઓ ભાનમાં આવતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ટોળકીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી.
પી.આઇ. આર.એન.રાઠવાએ જણાવ્યું હતું કે, કરજણમાં બનેલા આ બનાવની તપાસ દરમિયાન ટોળકી કારમાં વડોદરાથી સુરત કોઇને જ્યોતિષ જોવાના બહારને લૂંટવા જવાની હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલ.સી.બી.ના સ્ટાફના જવાનો ભુપતભાઇ, અનિરૂદ્ધસિંહ, રવિન્દ્રકુમાર, સિદ્ધરાજસિંહ, હર્ષદકુમાર, મહેશગીરી, પ્રવિણસિંહ વિગેરે મળી 11 જવાનોને કરજણ ભારત કોટન ત્રણ રસ્તા ઉપર ગોઠવી દેવામાં આવ્યા હતા. દરમિયાન માહિતીવાળી કાર પસાર થતાં તેને રોકી તપાસ કરતા કારમાં સવાર મદારી ગેંગના બે સાગરીતો સાહેબનાથ ગંભીરનાથ ઉર્ફ મીરનાથ મદારી (રહે. આંતરોલી રામદેવનગર, કપડવંજ) અને ઠાકોરનાથ ગંભીરનાથ મદારી (રહે. તૈયબપુરા આનંદ સાગર સોસાયટી, કપડવંજ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા મદારી ગેંગના બે સાગરીતોની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, કરજણ-સાધલી રોડ ઉપર એક આધેડને જ્યોતિષ જોઇ આપવાના બહાને ઉભા રાખ્યા હતા અને જ્યોતિષ જોયા બાદ વિધી કરવાનું જણાવી, તેઓને વશીકરણ કરીને તેઓએ પહેરેલું સોનાનુ માદળિયું, બે સોનાની વીંટી પડાવી ફરાર થઇ ગયા હતા. અને દાગીના ગાંધીનગર ખાતે આવેલા દેગામ સ્થિત જગદીશભાઇ સોનીને રૂપિયા 2,25,000માં વેચ્યા હોવાની કબુલાત કરી હતી. આ ગુનો વડોદરાના દરજીપુરા ગામમાં રહેતા અને સબંધી શિવનાથ રામનાથ મદારી સાથે મળી આચર્યો હોવાનું જણાવ્યું હતું.