- ઘટના સ્થળો ઉપરથી મારક હથિયારો મળ્યાં
- સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં સુરક્ષા જવાનોએ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. દરમિયાન ઓડિશાના બૌધ જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં હતા. સુરક્ષા જવાનોને સ્થળ પરથી મોટી સંખ્યામાં હથિયારો મળ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અન્ય માઓવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વન વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાંતામલ પોલીસ સ્ટેશન વિસ્તાન હેઠળ આવતા પારહેલ આરક્ષિત વન વિસ્તારમાં માઓવાદીઓ અને ઓડિશાની વિશેષ અભિયાન ટીમના કર્મચારીઓ વચ્ચે સામ-સામે ઘાણીફુટ ગોળીબાર થયો હતો. ઘટના સ્થળે બે માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યાં છે, તેમજ સ્થળ પરથી હથિયારો, દારૂગોળો તથા અન્ય સામગ્રી મળી આવી છે. સુરક્ષા જવાનોએ અન્ય માઓવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષા જવાનોની કાર્યવાહીને પગલે માઓવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના કાંકેર વિસ્તારમાં સુરક્ષા જળો અને નક્સલવાદીઓ વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણમાં 29 જેટલા નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. જેમાં 25 લાખના ઈનામી શંકર રાવનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા જવાનોને સ્થળ પરથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાં હતા. જપ્ત કરાયેલા હથિયારોમાં એકે. 47 સહિતના આધુનિક હથિયારોનો સમાવેશ થાય છે.