નડિયાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે મોડી રાતે લૂંટની ઘટના બની છે. રાત્રે હાઈવે પર એક વાહનચાલકે લઘુશંકા માટે રોડ સાઈડ પર વાહન પાર્ક કર્યું હતું તે દરમિયાન ડફેર લૂંટારૂં ત્રીપુટીએ ચાલકને ગળા પર છરો મૂકી મોબાઇલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે શખસોને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધોયકા ગામે રહેતા પ્રશાંત ગેલાભાઈ ભરવાડ (ઉ.વ.28) ઓટો પાર્ટસના બોક્સ બોલેરો પીકઅપમાં ભરી સાણંદ ખાતે ડીલીવર કરવા જતા હતા. તેઓ વાહન લઇને હાલોલથી નીકળી વડોદરા અને ત્યાંથી એક્સપ્રેસ હાઈવે પકડી અમદાવાદ તરફ આવી રહ્યા હતા. દરમિયાન નડિયાદ પાસે ઓવરબ્રિજ નજીક મોડી રાત્રે લઘુશંકા કરવા પ્રશાંતે પોતાનું વાહન રોડ સાઈડમાં ઊભું રાખ્યું હતું બાદમાં કેબીનમાં બેસવા જતા અજાણ્યા ત્રણ ઈસમો ધસી આવ્યા હતા. ત્રીપૂટીમાંથી બે શખ્સોએ ડ્રાઈવરને પકડી રાખ્યો હતો અને ત્રીજા શખ્સે છરો બતાવી રોકડ 1600 અને મોબાઈલની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ચાલકને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ પ્રશાંત ભરવાડે અજાણી ત્રિપુટી સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં લૂંટ ચલાવનારા ત્રણ પૈકી બે ઈસમોને નડિયાદ પાસેના હેલીપેડની ઝાડીમાંથી પકડી લીધા હતા. નામઠામ પુછતા કાળુ ઉર્ફે ટીનો ઉમર ખરાઈ (ડફેર) (રહે.મુળ બાજરડા, તા.ધંધુકા હાલ રહે.મીઠાપુરા, બાવળા) અને અહેમદ ઉર્ફે ટોડો શકુર મોરી (ડફેર) (રહે.મુળ શિયાણી, લીંબડી હાલ રહે .મીઠાપુર,બાવળા) તેમજ ત્રીજો ઈસમ નાસતો ફરતો હાજીદાઉદ અહેમદ મોરી (ડફેર) (રહે.બાજરડા, તા.ધંધુકા) હોવાની કબૂલાત કરી છે. પકડાયેલા આ બંને ઈસમો પાસેથી બે નંગ છરા, ત્રણ મોબાઇલ ફોન, રોકડ રૂપિયા, હાથ બેટરી, કપડા, ગીલોલ કબ્જે કર્યા હતા. ત્રિપુટી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર રાત્રિના સમય દરમિયાન હાઇવે ઉપર ઉભા રહેલા વાહનોના ડ્રાઇવરોને પકડી છરો બતાવીને લૂંટ આચરતી હતી.