Site icon Revoi.in

ગુજરાતમાં IOCની પાઈપલાઈનમાં પંચર કરી ઓઈલની ચોરી કરતી ગેન્ગના બે શખસો પકડાયા

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં ઓઈલ કંપનીની પાઈપલાઈનમાં પંચર કરીને ઓઈલની ચોરી બનાવો અવાર-નવાર બનતા હોય છે. ઓઈલ ચોર ગેન્ગ સીમ વગડામાં જ્યાં ઓઈલની પાઈપલાઈન પસાર થતી હોય એવા વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદીને ઓઈલલાઈનમાં પંચર પાડીને લાખો રૂપિયાની ઓઈલની ચોરી કરતા હોય છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે ઓઈલ ચોરતી ગેન્ગના બે સખસોને દબોચી લીધા હતા. આરોપીઓએ 15 જેટલાં સ્થળોએ 20 કરોડના ઓઈલની ચોરી કર્યાની કબુલાત કરી છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ઈન્ડિયન ઓઈલ કંપનીની પાઇપલાઇનમાં પંચર કરી કરોડોના ક્રૂડ ઓઈલની ચોરી કરતા બે શખસોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ચોરી કરવા માટે આરોપીઓ ખતરનાક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. ખેતર કે અવાવરૂ જગ્યાએ મળેલી પાઈપલાઈનમાં આરોપીઓ ઊંડો ખાડો ખોદતા હતા. ત્યાર બાદમાં લાઈનમાં વેલ્ડિંગ જેવાં સાધનો વડે પંચર પાડીને ટેન્કરમાં ક્રૂડ ઓઈલ ભરી લેતા હતા, જેથી કંપનીની સર્વેલન્સ ટીમને પણ જાણ થતી ન હતી,  આરોપીઓ સુરતમાં હોવાની બાતમી મળતા  ક્રાઈમ બ્રાંચ પોલીસે બે શખસોને દબોચી લીધા હતા. આરોપીઓએ લગભગ 15થી વધુ જગ્યાએથી IOCની લાઈનમાંથી ઓઈલની ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના અલગ-અલગ 15થી વધુ જગ્યાઓએ ઇન્ડિયન ઓઈલની લાઈનમાં પંચર કરી કરોડોની કિંમતનું ઓઈલ ચોરીના ગુનાઓમાં પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઇ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપી અગાઉ ગુજરાત, રાજસ્થાનમાં સુરેન્દ્રનગર- લખતર, પાટણ-સિદ્ધપુર-બાલીસણા, મહેસાણા-કડી, અમદાવાદ, દાહોદ બ્યાવર સહિત 15 જગ્યાએ અંદાજે 20 કરોડનું ઓઈલ ચોરી કર્યું છે.આરોપી પ્રશાંત વાઘેલા પોતાના સાગરીત સમીરખાન અલાદખાન ખોખર અને અન્ય શખસ સાથે IOCની ક્રૂડ ઓઈલની ચાલુ પાઇપલાઈનમાં પંચર કરી ઓઇલ ચોરી કરવાના ગુનાઓમાં માહેર છે. પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તે મહેસાણાના રાંતેજ ગામના રોડના કિનારે આવેલા ખેતરમાંથી પસાર થતી IOCની ક્રૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડતો હતો, ત્યાર બાદ પોતાના સાગરીતો સાથે ઓઈલ ચોરતો હતો. રાત્રિના સમયે ક્રૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગરીતો સાથે સગેવગે કરતો હતો. અગાઉ પણ પોતાની ગેંગના સાગરીતો સાથે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં સામા સેંદરડા પાસે રામગઢ સેદાટન ખાતે પણ આજ રીતે ખેતરમાંથી પસાર થતી IOCની ક્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી ક્રૂડ ઓઇલ ચોરી કર્યાની કબૂલાત આરોપીએ આપી છે.

આરોપી ખેતર, અવાવરૂ જગ્યા કે મકાન નજીકથી પસાર થતી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન અંગેની માહિતી મેળવતા હતા. એ પાઇપલાઇન જે સ્થળ કે ખેતરમાંથી પસાર થતી હોય એની આસપાસ રહેવા માટે મકાન કે જગ્યા ભાડા કરારથી મેળવતા હતા. બાદમાં રાત્રિ દરમિયાન પોતાના સાગરીતો મારફત પાઇપલાઇનના સ્થળ પર આશરે છથી સાતેક ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદતા હતા. વેલ્ડિંગ, કટર તેમજ ડ્રિલ મશીન વગેરે સાધનોની મદદથી રાત્રે પાઇપલાઇનમાં વોલ્વ ફિટ કરી ટેન્કર મગાવી ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા. આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ અમૃતભાઇ વાઘેલા સામે 21 જેટલા ગુના નોંધાયેલા છે. ગુજરાત અને રાજસ્થાનનાં 21 જેટલાં સ્થળેથી આરોપીએ ચોરી કરેલી છે. જ્યારે બીજા આરોપી સમીરખાન અલાદખાન ખોખર સામે પણ વિસનગર અને અમદાવાદમાં સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે.