જસવંતપુર ગામની સીમમાં બે જણાં સિંહને જોવા ગયા, વિડિયો ઉતારતા સમયે સિંહે કર્યો હુમલો
ભાવનગરઃ ગોહિલવાડ પંથક પણ વનરાજોને માફક આવી ગયો છે. એમાંયે ભાલ વિસ્તારમાં પણ સિંહના આંટાફેરા વધી ગયા છે. જિલ્લાના તળાજા, જેસર પાલિતાણા બાદ હવે ભાલ પંથકમાં પણ સિંહોના વસવાટની પુષ્ટી બાદ હવે ભાલ પંથકમાં પણ વનરાજાએ પડવા નાખ્યો છે. થોડાં દિવસો પૂર્વે વલભીપુર પંથકમાં જોવા મળેલા સિંહ ભાલ પંથકના જસવંતપુર ગામ પાસે સિંહને જોવા ગયેલા બે શખ્સોમાંથી એક શખ્સ પર હુમલો કર્યો છે. બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જયારે ઇજાગ્રસ્તને સારવારઅર્થે ભાવનગર ખસેડ્યો છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાલ પંથકના જસવંતપુર ગામની સીમમાં શુક્રવારે સાંજના સમયે રાજગઢ ગામના ખોડુભા ઈન્દુભા નામના વ્યક્તિ ગાડીની બિલ્ટી માટે આવ્યા બાદ નિરમા કંપનીના પંમ્પીંગ સ્ટેશન પાસેના પોઈન્ટમાં રહેલા ચોકીદાર સાથે અહીં લટાર મારવા આવેલા સિંહને જોવા ગયા હતા અને સિંહનો વીડિયો પણ ઉતારતા સિંહ ખોડુભા ઈન્દુભા ચુડાસમા પર હુમલો કરી ઈજા પહોંચાડતા ભાવનગર સારવારઅર્થે ખસેડ્યા હતા. સ્થાનિકો પાસેથી મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારમાં સિંહ હોવાની જાણ થતાં બંન્ને ત્યાં ગયા હતા.
બનાવની જાણ થતાં વનવિભાગના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. થોડા દિવસ પૂર્વે વલભીપુર વિસ્તારમાં જોવા મળેલા સિંહે જ આ હુમલો કર્યો હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું. તેમજ આ મામલે હાલ વનવિભાગની તપાસ ચાલી રહી છે પરંતુ જો કંઈ પણ ગેરકાયદેસર કે સિંહની પજવણી થઈ હશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેમ વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.