દિલ્હીઃ ફિલ્મી સ્ટાઈલમાં એસઓજીના દસ કમાન્ડોએ સાદા કપડાંમાં શ્રીનગરના આલૂચિબાગ ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચેલા ટીઆરએફના આકા અબ્બાસ શેખ અને તેના સાગરિત સાકિબ મંજૂરને ઘેરી લઈને બંનેને ઠાર માર્યાં હતા. અબ્લાસ આતંકવાદીઓની ટોપ-10ની યાદીમાં સામેલ હતો. બંને લાંબા સમયથી પોલીસના રડારમાં હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હતા. બંને આતંકવાદીઓ અનેક નાગરિકોની હત્યા કેસમાં સામેલ હતા.
આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, બંને આતંકવાદીઓ અંગે મળ્યાં હતા. જેથી પોલીસના દસ જવાનો સિવિલ ડ્રેસમાં ગયા હતા. સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીઓને પડકાર્યાં હતા. ચેતવણી આપ્યા બાદ તેમણે અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. જેથી પોલીસે કરેલા ફાયરિંગમાં બંનેના મોત થયાં હતા. અબ્બાસએ આતંક ફેલાવ્યો હતો અને નવા યુવાનોને આતંકવાદી પ્રવૃતિમાં ભરતી થવા પ્રેરતો હતો. અબ્બાસના ઈશારે સાકિબ શ્રીનગરમાં કેટલીક હત્યા કરી ચુક્યો હતો. ચાર અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.
સુત્રોના મતે બંને આતંકવાદીઓ છેલ્લા ત્રણેક દિવસથી શ્રીનગરના આલૂચિબાગ વિસ્તારમાં ક્રિકેટ રમવા આવતા હતા. જેની માહિતી પોલીસને મળી હતી. પોલીસ ઓપરેશન દરમિયાન ગ્રાઉન્ડ ઉપર બાળકો પણ હતા. તેમને કોઈ નુકસાન ન થાય તેનું પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. દરજી કામથી જીવનની શરૂઆત કરારો અબ્બાસે ધીરે-ધીરે આતંકની દુનિયામાં પોતાની દહેશત ઉભી કરી રહ્યો હતો અને ટીઆરએફનો આતંકી બની ગયો હતો. તેના બે ભાઈ મહંમદ ઈબ્રાહિમ અને મહંમદ અશરફ શેખ પણ આતંકવાદી હતી અને તેમને પણ સુરક્ષાદળોએ અથડામણમાં ઠાર માર્યાં હતા.