ICAI દ્વારા સીએની ઈન્ટર મિડિએટ અને ફાઈનલની પરીક્ષા પહેલા બે મોક ટેસ્ટ લેવાશે
અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓમાં સીએ થવાનો ક્રેઝ વધતો જાય છે. જો કે સીએનો અભ્યાસક્રમ ખૂબ મહેનત માગી લે તેવો છે, પણ એકવાર સીએની ડિગ્રી મળી ગયા બાદ સારી નોકરી કે ઓફિસ ખોલીને પણ સારી આવક મેળવી શકાતી હોવાથી મોટાભાગના કોમર્સના વિદ્યાર્થી 12માં ધોરણ બાદ સીએની તૈયારીઓ શરી કરી દેતા હોય છે. હવે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)એ સીએ ઇન્ટર મીડિએટ અને સીએ ફાઇનલની પરીક્ષા પહેલાં બે મોક ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે.વિદ્યાર્થીઓને સીએની મે અને નવેમ્બરમાં યોજાતી પરીક્ષા પૂર્વે જ સીએની પરીક્ષાના પ્રશ્નો અને પરીક્ષાના માળખા અંગેની વિગતોની જાણકારી મળી રહે તે હેતુસર આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ માર્ચ-2023ની કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અમદાવાદની સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્ચ અને એપ્રિલ એમ બે મહિનામાં મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)એ સીએ ઇન્ટર મીડિએટ અને સીએ ફાઇનલની પરીક્ષા પહેલાં બે મોક ટેસ્ટ લેવાશે. જેમાં અમદાવાદની સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્ચ અને એપ્રિલ એમ બે મહિનામાં મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ટેસ્ટ માટે સ્પેશિયલ સોફ્ટવેર પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવી રહી છે. આઈસીએઆઈ, દિલ્હીના પ્રમુખ અનિકેત તલાટીના કહેવા મુજબ ‘સીએ ઇન્સ્ટિટયૂટના બોર્ડ ઓફ સ્ટડીઝના માધ્યમથી મોક ટેસ્ટ માટે આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સીએ ઇન્સ્ટિટ્યૂટની અમદાવાદ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત 10 શહેરમાં પ્રાયોગિક ધોરણે બે મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું, જેમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ મોક ટેસ્ટને સાનુકૂળ પ્રતિસાદ મળતાં સીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર પછીથી તબક્કાવાર દેશભરની વિવિધ શાખાઓમાં સીએની ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષા પૂર્વે બે મોક ટેસ્ટનું આયોજન કરાશે.