પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, અત્યાર સુધી 30થી વધારે આરોપીઓ પકડાયાં
અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક પ્રકરણાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાક કરવામાં આવી રહી છે. તેમજ આરોપીઓની પૂછપરછમાં સામે આવેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસે પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓની હિંમતનગરથી ધરપકડ કરી હતી. જેમાં રજનીકાંત પટેલ અને નરેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. તેમજ તેમના રિમાન્ડ મેળવવા કવાયત તેજ બનાવી છે. પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં કુલ 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 30 આરોપીઓ સબજેલમાં છે. પેપર લીક કાંડના શરૂ કરાયેલા ધરપકડના દોરમાં હજુ પણ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.
તેમજ રાજ્યના ગુહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકાર આ કેસમાં કોઇપણ આરોપીને છોડવા માંગતી નથી. તેમજ આ તમામ આરોપી વિરુદ્ધ સરકાર સખત કાર્યવાહી કરશે જેના લીધે ભવિષ્યના કોઇપણ વ્યક્તિ આ પ્રકારના કૃત્ય કરવા પૂર્વે વિચાર કરે.