Site icon Revoi.in

પૂર્વ ગીરના ખાંભા અને દલખાણિયા રેન્જમાં વધુ બે સિંહબાળના મોત

Social Share

અમરેલી : જિલ્લાના  ધારી ગીરપૂર્વમાં વધુ બે સિંહોના મોત નિપજ્યા હતા. જેમાં ખાંભા તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના કોદિયા વીડી વિસ્તારમાં એક સિંહબાળનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ દલખાણીયા રેન્જના સરસિયા વીડી વિસ્તારમાંથી પણ વનવિભાગને સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત ખાંભા તુલસીશ્યામ રેન્જમાં એક સિંહબાળ બિમાર હાલતમાં હોવાનું કહેવાય છે, વનવિભાગ દ્વારા સિંહોના મોતને લઈને તપાસ હાથ ધરી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ધારી ગિરપૂર્વમાં હજુ પાંચ- છ દિવસ પહેલા સાવરકુંડલા રેન્જ અને જાફરાબાદ રેંજના અલ્ટ્રાટ્રેક માઇન્સ રેવન્યુ વિસ્તારમાં બે સિંહના ઇનફાઈટમાં મોત નિપજ્યા હતા. ત્યારે વધુ બે સિંહોના મોત ધારી ગિરપૂર્વ વિસ્તારમાં થયાનું જાણવા મળ્યું હતું. જેમાં ખાંભા તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના કોદિયા વિડી વિસ્તારમાંથી વનવિભાગને બીમાર હાલતમાં સિંહબાળ મળ્યું હતું અને આ સિંહબાળનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કોદિયા વિડીમાં 18 સિંહનું ગ્રુપ હોય જેમાં પણ વધુ એક સિંહબાળ બીમાર હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. તે ઉપરાંત દલખાણીયા રેન્જના સરસિયા વિડી વિસ્તારમાંથી પણ વનવિભાગને સિંહણનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યો હતો. જોકે વન વિભાગે સિંહણનું મોત ઇનફાઈટમાં થયું હોવાનું જણાવ્યું હતું. ધારી ગીરપૂર્વ અને ગીરમાં છેલ્લા દોઢ માસમાં 12થી વધારે સિંહોના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. ત્યારે વનવિભાગ પણ સિંહોના મોતને લઇ વામણું પુરવાર થઈ રહ્યું છે  અને વધુ બે સિંહોના મોત થતા વનવિભાગ દ્વારા સિંહણ અને સિંહબાળના મૃતદેહનું પી એમ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(PHOTO-FILE)