Site icon Revoi.in

અમદાવાદમાં પાંજરાપોળ અને પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 185.12 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂ. 86.94 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્‍દ્ર પટેલે આપી છે. પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂ. 98.18 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. તે 779.19 મીટર લંબાઈ ધરાવતો અને 17 મીટર પહોળો બ્રિજ હશે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવરબ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં 75 ફ્લાય ઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં 20 ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના 7 ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ. 612.86 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે.

હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે 2023-24ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. 185.12 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે.

આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદ્રઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્વોલિટેટીવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. 21,696 કરોડનું બજેટ ફાળવાયું છે.