રાજ્યમાં કોવિડ હોસ્પિટલોને ઓક્સિજનનું સુવ્યવસ્થિત વિતરણ થાય તે માટે બે નોડલ અધિકારી નિમાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતા હોસ્પિટલો હાઉસફુલૂની રહી છે. કોરોનાના આ બીજા રાઉન્ડમાં દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડતી હોવાથી ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થયો છે. ત્યારે ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાંની મહત્તમ અને તર્કસંગત ઉપયોગિતા સુનિશ્ચિત કરવા તેમજ રાજયભરમાં ઓક્સિજનનો સ્ટોકનો પુરવઠો, ફાળવણી અને વિતરણ, ઓક્સિજનના સ્ટોકના આવક-જાવકની દેખરેખ રાખવા માટે સરકારના નર્મદા, જળસંશાધનો અને કલ્પસર વિભાગના સચિવ ધનજંય દ્વિવેદી અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર સંજીવ કુમારની ગુજરાત રાજયમાં ઓક્સિજનના સપ્લાય, ફાળવણી અને વિતરણનું દેખરેખ રાખવા માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નોડલ ઓફિસર તરીકેની તેમની કામગીરી દરમિયાન વખતોવખત ભારત સરકાર દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેનો તેમણે અનુસરવાનું રહેશે.
રાજ્યની તમામ ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય સમયસર મળી રહે તે જરૂરી છે. અમદાવાદ, રાજકોટ સહિત ઘણા શહેરોમાં ઓક્સિજનની માગ મુજબ કોવિડ હોસ્પિટલોને પુરવઠો મળતો નહીં હોવાની ફરિયાદો ઊઠી હતી એટલે સરકારે ઓક્સિજનના જથ્થાનું યોગ્ય નિયમન જળવાય રહે તે માટે બે નોડલ અધિકારીઓની નિયુક્તિ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. જેના કારણે ઓક્સિજન ટેન્કને એમ્બ્યુલન્સ સ્ટેટસ આપવામાં આવ્યું છે. તેને કોઇ રોકવાની નહીં વગેરે પ્રકારની જાહેરાતો અગાઉ થઇ છે. તેની સાથે ઓક્સિજનનો જથ્થો સીધો જ જે તે સ્થાને પહોંચે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.