અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર પકડવા મામલે મ્યુનિ.ના સીએનસીડી વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાના કારણે ભાજપના સત્તાધીશો પણ વિભાગના અધિકારીથી નારાજ બન્યા હતા. હાઇકોર્ટ પણ અવારનવાર ફટકાર લગાવતી હતી ત્યારે સીએનસીડી વિભાગનો HOD તરીકેનો હવાલો સંભાળતા નરેશ રાજપુત અને સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડો.પ્રતાપસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. છેલ્લા કેટલાય સમયથી બંન્ને અધિકારીઓ સીએનસીડી વિભાગમાં યોગ્ય રીતે રખડતા ઢોર પકડવાની કામગીરી કરાવી શકતા ન હતા. વિભાગમાં ભ્રષ્ટાચાર અને રખડતા ઢોર પકડવાની કામગીરીમાં નિષ્ફળતાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મ્યુનિ. કોર્પોરેશનમાં સીએનસીડી વિભાગનો HOD તરીકેનો હવાલો સંભાળતા નરેશ રાજપૂતને સસ્પેન્ડ કરવામાં આવતા રખડતા ઢોર પકડવાની કામગીરીમાં સીએનસીડી વિભાગના HOD તરીકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને તેમની કામગીરી ઉપરાંત વધારાનો સીએનસીડી વિભાગનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરી અને સીએનસીડી વિભાગના એચઓડી તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી હર્ષદ સોલંકને આપી છે, જેથી હવે વિભાગના તમામ કર્મચારીઓએ તેઓની દેખરેખ હેઠળ કામગીરી કરવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિના સીએનસીડી વિભાગમાં એચઓડી તરીકે ફરજ બજાવતા નરેશ રાજપૂતની કામગીરી નબળી હોવાને લઈ અવારનવાર ભાજપના સત્તાધીશો સ્ટેન્ડિંગ કમિટી તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં કડક કાર્યવાહી માટે તેઓને સુચના આપતા હતા છતાં પણ સીએનસીડી વિભાગમાં કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ નરેશ રાજપુત અને સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રતાપ રાઠોડ બંનેને સસ્પેન્ડ કર્યા છે. કમિશનરે પરિપત્ર કરી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને વધારાની કામગીરી તરીકે સીએનસીડીનો એચઓડી તરીકેનો હવાલો સોપ્યો છે. ત્યારે પશુઓના સાર સંભાળ માટે કાંકરિયા ઝુના આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડો. દિવ્યેશ પ્રજાપતિને સીએનસીડી વિભાગમાં વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.(file photo)