Site icon Revoi.in

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન : 6 દર્દીઓને નવજીવન

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની સંભવિત અસરોના સમાચારની વચ્ચે માનવતાની મ્હેંક પ્રસરાવતા સમાચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન થયા છે. જેના થકી 6 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 27 ડિસેમ્બર 2020થી અંગદાનની સેવાકીય પ્રવૃતિની શરૂઆત થઇ હતી. જેમાં અઢી વર્ષમાં 100 લીવર અને 200 કિડનીનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 116 જેટલા અંગદાતાઓના અંગદાન થી 350 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા 374 અંગોમાં 100 લીવર, 200 કિડની, 9 સ્વાદુપિંડ, 33 હ્રદય, 6 હાથ, 24 ફેફસા અને બે નાના આંતરડાનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં થયેલ અંગદાનની વિગતો જોઇએ તો 14 જુને અમદાવાદના ધોળકામાં રહેતા દિપકભાઇ રાણા 24 કલાકની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલના તબીબો દ્વારા દિપકભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી. 

રીટ્રાઇવલના અંતે દીપકભાઇના શરીરમાંથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું જેણે ત્રણ જરૂરિયાતમંદોના જીવનનો દીપક પ્રજવલ્લિત કર્યો. 15 મી જુને થયેલ 116 માં અંગદાનની વિગતોમાં ખેડાના 52 વર્ષના રણછોડભાઇ સોલંકીને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બ્રેઇનડેડ થયા બાદ રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતુ. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે જન આંદોલનમાં પરિણમ્યો છે. અઢી વર્ષ પહેલા જ્યારે અંગદાનની શરૂઆત થઇ હતી ત્યારે પરિવારજનોનું કાઉન્સેલીંગ કરીને અંગદાન માટેની સમંતિ મેળવવા માટે ઘણા પ્રયાસો કરવા પડતા હતા જે આજે જન આંદોલન અને સમાજમાં પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે ખૂબ જ સરળ બન્યું છે. આ 116 અંગદાન અને તેણે આપેલા 350 વ્યક્તિઓને નવજીવનનો સંપૂર્ણ શ્રેય અમારી હોસ્પિટલના તબીબો, કાઉન્સેલર્સ, પી.આર.ઓ, નર્સિંગ સ્ટાફ , સીક્યુરિટી કર્મીઓના અથાગ પરિશ્રમ ને જ જાય છે.