સુરતઃ જિલ્લામાં કામરેજથી લઈને મહુવા સુધી દીપડાંની સખ્યા ઘણીબધી છે. દીપડા ક્યારેક નેશનલ હાઈવે પર પણ જોવા મળતા હોય છે. વહેલી સવારે સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઇવે ઉપર 2 દીપડા મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. દીપડાના મૃતદેહને જોતા નેશનલ હાઈવે ઉપર જ દીપડાઓને ગંભીર ઇજા થઇ હોય તેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, કોઈ ટ્રક દ્વારા તેને અડફેટમાં લેવાયા હતા અને ત્યાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં દીપડાઓ ફરતા હોવાનો વીડિયો થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં દીપડાઓ આ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરોની અંદર પણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે એક પ્રકારનો ડરનો માહોલ સુરત જિલ્લાની અંદર જોવા મળી રહ્યો હતો. બે જેટલા દીપડા વીડિયોમાં પણ દેખાતા હતા અને ખૂબ જ કદાવર અને ખૂંખાર હોય તે પ્રકારના દ્રશ્યો જોતાં લોકો સ્વાભાવિક રીતે જ ડરતા હતા અને ખાસ કરીને દીપડાઓ શેરડીના ખેતરમાં ખૂબ જ સરળતાથી છૂપાઈ જતા હોય છે. જેના કારણે ખેડૂતોમાં પણ ડર જોવા મળી રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં તાજેતરમાં જ દીપડા ઘલાથી બૌધાન રોડ પર લટાર મારતો વીડિયોમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડો આ વિસ્તારમાં દેખાતા વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. દીપડાને પાંજરે પૂરવા માટેનો પ્રયાસ પણ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે. હાલ શેરડીના ખેતર ખુલ્લા થઈ જવાથી દીપડાઓ ગામમાં આવી જતા હોય છે. કામરેજ નેશનલ હાઈવે ઉપર દીપડાને ટ્રક અડફેટે લેતા બે દીપડાનું મોત નીપજ્યાની ઘટના સામે આવતાની સાથે જ વનવિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રે તપાસ શરૂ કરી છે. વનવિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાને લઇને સ્થાનિકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, તેમ જ અકસ્માત થયા હોવાની બાબતને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પણ જે વાહન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કોઈ ટ્રક પૂરફાટ ઝડપે દીપડાને અડફેટે લઈને પલાયન થઈ ગયો હતો. દીપડાંને કચડ્યો હોવાના ટ્રકના ટાયરના નિશાન પણ હાઈ-વે પર જોવા મળ્યા હોવાનું કહેવાય છે.