અમદાવાદઃ પાટણના શંખેશ્વર નજીક શુક્રવારે સવારે પિકઅપ વાન અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને વાહનમાં અચાનક આગ લાગી હતી, જેથી વેગરઆર કારમાં પ્રવાસ કરતાં બે લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. આ બનાવને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવીને લોકોની મદદથી આગવે બુઝાવી દીધી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે વેગરઆર કાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહનો સામસામે અથડાતા બન્ને વાહનોમાં આગ ભભૂકી ઊઠી હતી. વેગનઆર કારમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગઈ હતી, જેથી તેઓ 70 ટકાથી વધુ દાઝી ગઈ હતી. એને પગલે બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવને લીધે રાહદારીઓ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરી હતી, બનાવની જાણ થતાં પોલીસે કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે વહેલી સવારે શંખેશ્વર-પંચાસર- દસાડા માર્ગ પરથી પસાર થતી વેગનઆર કાર અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેગનઆર કાર વિરમગામ તરફથી શંખેશ્વર આવી રહી હતી, જ્યારે પીકપ ડાલુ શંખેશ્વરથી વિરમગામ તરફ જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં બંને વાહનોમાં લાગેલી આગમાં મૂળ પશ્ચિમ બંગાળના અને હાલમાં રાજસ્થાન ઉદયપુર ખાતે રહેતા રાહુલ રણજીતભાઈ લોઢા તેમજ રાજસ્થાનના અલવર ગામના રવિન્દ્ર ગુલાબચંદ સૈનિ નામના બે વ્યક્તિઓના મોત નીપજયા હતા.
આ બનાવ અંગે શંખેશ્વરના પી. એસ આઈ વસાવાએ જણાવ્યું હતું. કે, શુક્રવારે સવારે 7:00થી 7:30 વાગ્યાની આસપાસ પિકઅપ વાન અને વેગનઆર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એમાં બંને વાહનોમાં આગ લાગતાં વેગનઆરમાં સવાર બે લોકો અંદર ફસાઈ જવાથી 70% દાઝી જવાથી તેમનાં મોત થયાં છે. બીજી તરફ, સામે પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો, જે બહાર નીકળી ગયો હતો, જેથી અન્ય કોઈનું મોત થયું નથી.