અમદાવાદઃ ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચડાવતા અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરુ કરી છે. સુરક્ષા એજન્સીઓએ નશાના નેટવર્કને તોડી પાડવા માટે અભિયાન શરુ કર્યું છે. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેમજ તેની પૂછપરછમાં મુંબઈના એક આરોપીની સંડોવણી ખુલતા તેની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વાંચોઃ મહેસાણા ટોલપ્લાઝા પાસેથી એક કરોડથી વધુની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાળિયા નજીક દાતા ગામના પાટિયા પાસે એક શખ્સ ડ્રગ્સ સાથે ફરતો હોવાની એસઓજીને માહિતી મળી હતી. જેના પરિણામે એસઓજીએ વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે શંકાના આધારે મોહસીન સાટીને શંકાના આધારે અટકાવીને તપાસ કરતા તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા મુંબઈના જુબેર મહંમદ મેમણ નામના વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. જેથી દેવભૂમિદ્વારકા પોલીસે તપાસ હાથ ધરીને જુબેર મેમણની પણ અટકાયત કરી હતી. જુબેર એમડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવ્યો હોવાનું ખૂલ્યું હતું.
દેવભૂમિદ્વારકા જિલ્લા એસઓજીએ મોહસીન સાટી અને જુબેર મેમણ સામે ગુનો નોંધીને તેમના રિમાન્ડ મેળવવા માટે કવાયત આરંભી હતી. તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસે ડ્રગ્સના સાથે ઝડપાયેલા બંનેની આકરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં અગાઉ કોઈ વખત ડ્રગ્સ વેચવા આવ્યો છે કે અન્ય કેટલા સાગરિતો છે. તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
(PHOTO-FILE)