સુરેન્દ્રનગરઃ રાજકોટથી સુરેન્દ્રનગર આવી રહેલા નગર નિયોજક કચેરીના અધિક્ષકની કારને અકસ્માત નડતા અધિક્ષક સહિક બેના મોત નિપજતા સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો.ચોટીલાથી ડોળીયા તરફ હડાળા ઢેઢૂકી વચ્ચે શ્વાન આડુ ઉતરતા શ્ચાનનો જીવ બચાવવા જતા અકસ્માતે કાર 12 થી 15 ફુટ ઉંડા નાળામાં ખાબકતા અધિક્ષક સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા નગર નિયોજક કચેરીના અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ યોગેશભાઇ દવે તેમના સાથી કર્મચારી નગર નિયોજક તરીકે ફરજ બજાવતા રમેશભાઇ કોરડીયા અને ધીરજલાલ લાડાણી રાજકોટથી પરાગભાઇ જયંતિભાઈ પંડ્યાની કાર ભાડે કરી સુરેન્દ્રનગર આવી રહ્યા હતા. દરમિયાન ચોટીલા સાયલા નેશનલ હાઇવે ઉપર વચ્ચે પડેલા શ્વાનને બચાવવા જતા કાર ફંગોળાઇ નાળામાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં જયેશભાઇ દવે અને કાર ચાલક પરાગભાઇ પંડયાને ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં આવેલી કચેરીના બે અધિકારીઓએ બુધવારે ફરજ ઉપર આવવા વરસાદી વાતાવરણને કારણે ટેક્સી પાર્સિગ ધરાવતી કાર ભાડે કરેલી હતી. પરંતુ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે તેમ સવારે પશુનો જીવ બચાવવા જતા બે માનવ જીવનનો દિપ બુઝાઈ ગયો હતો. સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં અનેક સરકારી શાખાઓ આવેલી છે. જેમા નગર નિયોજક કચેરીના અધિક્ષક અને અન્યો ફરજ ઉપર આવી રહ્યા હતા. અને માર્ગ અકસ્માતમાં દુઃખદ બનાવ બનતા બહુમાળી ભવનની તમામ શાખામાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.