Site icon Revoi.in

દુબઈથી સોનાના કડા લઈને અમદાવાદના એરપોર્ટ પર ઉતરેલા બે શખસો પકડાયા

Social Share

અમદાવાદઃ દુબઈથી આવતા ઘણા પેસેન્જરો સોનું સાથે લાવતા હોય છે. આથી એરપોર્ટ પર દુબઈથી આવતા પેસેન્જરોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. હાલમાં દુબઈ એક્સ્પોના કારણે ભારતથી દુબઈની ફ્લાઈટો શરૂ કરી દેવામાં આવતાં દાણચોરો પણ સક્રિય થઈ ગયાં છે. અમદાવાદ એરપોર્ટ પર પણ હવે મુસાફરોની સંખ્યા વધી છે. બીજી તરફ એરપોર્ટ ફરી વાર ધબકતું થતાં દાણચોરીની ઘટનાઓ પણ વધવા માંડી છે. દુબઈથી અમદાવાદ આવેલા બે મુસાફરોને 12 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગે ધરપકડ કરી હતી . જ્યારે કુવૈતથી આવેલા એક મુસાફરની સોનાની દાણચોરીના ગુનામાં  ધરપકડ કરી હતી..

કોરોનાની વિદાય બાદ સરકારે નિયંત્રમોમાં છૂટછાટ આપતા જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. જેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પણ હવે પેસેન્જરોની ભીડ જોવા મળી રહી છે.અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા બે મુસાફરોની સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.. બંને મુસાફરો ઈમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ પોતાનો લગેજ લેવા માટે આગળ વધ્યા હતાં. જ્યાં આ બંને મુસાફરોની શંકાસ્પદ હિલચાલ દેખાતા કસ્ટમના અધિકારીઓને તેમની પર શંકા ગઈ હતી. બંને મુસાફરો કસ્ટમ તરફ આગળ વધતાં હતાં ત્યારે તેમને અટકાવીને પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના લગેજ ખોલીને ચેક કરવામાં આવતાં તેમાંથી કશું નીકળ્યું નહોતું. પણ તેમને મેટલ ડિટેક્ટરથી ચેક કરતાં બીપ અવાજ આવ્યો હતો જેથી તેમણે કંઈક છુપાવ્યું હોવાનું જણાવતા તેમણે ઈનકાર કર્યો હતો. બંને મુસાફરોની શંકાસ્પદ હિલચાલને કારણે તપાસ કરવામાં આવતાં કપડાંની અંદર અને બુટમાં છુપાવેલા સોનાના બે નંગ કડા મળી આવતા કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ગયાં હતાં.

કસ્ટમના જણાવ્યા પ્રમાણે હાથમાં પહેરવાના આ કડા સોનાના હોવાથી ભારતીય બજારમાં તેની કિંમત 12 લાખની થવા જાય છે. કસ્ટમના નિયમ મુજબ મેલ પ્રવાસી 20 હજાર અને ફિમેલ પ્રવાસી 40 હજારનું સોનું લાવી શકે છે. તે પણ જ્વેલરી ફર્મમાં હોવું જોઈએ. કસ્ટમમાં ડિક્લેરેશન ફોર્મ ભરવું પડે છે. વિદેશમાં એક વર્ષનું ફરજિયાત રોકાણ હોવુ જોઈએ તે બંને મુસાફરોએ દાણચોરીના ઈરાદાથી સોનું ભારતમાં ઘુસાડ્યું હતું. આ સોનું કોને ડિલિવર કરવાનું હતું તે દિશામાં કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.