Site icon Revoi.in

ગુજરાતમાં લાંબા સમય બાદ કોવિડની દસ્તક, ગાંધીનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા

Social Share

અમદાવાદઃ દેશમાં ફરીએક વાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન દક્ષિણ ભારતમાં કોવિડ-19ના નવા વેરિએન્ટ જેએન.1નો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. દરમિયાન ગુજરાતમાં લંબા સમયમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં કોવિડના બે પોઝિટિવ કેસ મળી આવ્યાં હતા. આરોગ્ય વિભાગે બંને દર્દીઓના જીનોમ સિંકવન્સ તપાસ અર્થે લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં બે મહિલાઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે. જેના પરિણામે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર બંને મહિલાઓ તાજેતરમાં દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફરી હોવાનું સામે આવ્યું છે. હાલ બંને મહિલા દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. આ બંને મહિલાઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવાનું જાણવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને મહિલાઓના પરિવારજનોના જરુરી ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોરોના વધારે ના ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં કોવિડના નવા વેરિએન્ટ જેએન.1નો પોઝિટિવ કેસ નોંધાવાની સાથે કોવિડના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે. દેશમાં કોવિડના કેસમાં વધારો થતા કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આવતીકાલે દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીની બેઠક બોલાવી છે.