Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય બની, હજુ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  રાજ્યમાં આજે શનિવારે 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના ગોધરા, શેહરા, અને સંતરામપુરમાં ધોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સમયાંત્તરે વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં  વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 11 જેટલા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં મોન્સૂન સક્રિય થયું છે. એની સાથે જ આગામી 5 દિવસ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં રાજસ્થાન અને એને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. વાદળછાયાં વાતાવરણ વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 93 ટકા અને સાંજે 82 ટકા જેટલું નોંધાયું હતું. અમદાવાદમાં પણ આગામી દિવસો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.