રાજકોટઃ શહેરના એરપોર્ટ પરથી દિલ્હી,મુંબઈ સહિત મહાનગરો માટેની વધુ ફલાઈટ્સ શરૂ કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પણ સારોએવો મળી રહ્યો છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક ઉદ્યોગો આવેલા છે. એટલે વેપારીઓ પણ મુંબઈ કે અન્ય શહેરોમાં જવા માટે સમય બચાવવા વિમાનની મુસાફરી પસંદ કરતા હોય છે. એટલુ જ નહીં સોમનાથ સહિતના યાત્રાધામ અને પર્યટક સ્થળોએ જવા માટે બહારના પ્રવાસીઓ ફ્લાઈટ્સમાં રાજકોટ આવતા હોય છે. બીજીબાજુ દિવાળીના તહેવારો નજીકમાં હોવાથી પ્રવાસીઓ દેશ વિદેશના પર્યટન સ્થળોએ રજા માણવા ઉમટી રહયા છે ત્યારે મંગળવારે રાજકોટથી મુંબઇ જતી બપોર અને સાંજની બે ફલાઇટ કેન્સલ થતા પ્રવાસીઓ રઝળી પડયા હતા. તહેવારોમાં મુંબઇ જતી ટ્રેનો પણ ફુલ હોવાથી અનેક પ્રવાસીઓ મહામહેનતે ખાનગી બસો વાહનોમાં બમણા ભાડા ચુકવી મુંબઇ જવા રવાના થયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઇ એરપોર્ટમાં રન વેની મરામતની કામગીરીને લીધે રાજકોટની હવાઇ સેવાને અસર પડી છે. મંગળવારે ઇન્ડિગોની બપોરે 12.40 કલાક અને એર ઇન્ડિયાની સાંજે 18.5 કલાકની મુંબઇ ફલાઇટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડયા હતા. રાજકોટ એરપોર્ટમાં મંગળવારે મુંબઇની ડેઇલી ત્રણ ફલાઇટમાંથી બે ફલાઇટ કેન્સલ થઇ હતી. સાંજની ઇન્ડિગો ફલાઇટ ફુલ રહી હતી. મંગળવારે એક દિવસે મુંબઇ જતી બે ફલાઇટ કેન્સલ થતા મુસાફરો હેરાન પરેશાન થયા હતા. સેવામાં વિપેક્ષ બદલ ઇન્ડિગો અને એર લાઇન્સ કંપનીએ ખેદ વ્યકત કર્યો હતો. બન્ને ફ્લાઈસ રદ થતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અને ટ્રેનો પણ હાઉસફુલ દોડી રહી હોવાથી ઘણાબધા પ્રવાસીઓએ ખાનગી વાહનોમાં અમદાવાદ પહોંચીને ત્યાંથી ખાનગી લકઝરી બસમાં મુંબઈની વાટ પકડી હતી.