અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન આજે શહેરના નરોડા વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બાઈક ઉપર આવેલા બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારની આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નરોડા વિસ્તારમાં એક સોસાયટીમાં બાઈક ઉપર બે વ્યક્તિઓ આવ્યાં હતા. તેમજ એક વ્યક્તિ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ગોળીબાર કરીને બંને શખ્સો ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા. ગોળીબારની આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
ગોળીબારની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી. આ ઉપરાંત હુમલાખોરોને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. તેમજ આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી તપાસ આરંભી છે. કયા કારણોસર ગોળીબાર કરવામાં આવ્યો તે અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલા શખસોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
(PHOTO-FILE)