Site icon Revoi.in

જામનગર જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો, 2ના મોત

Social Share

જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધ્રોળના સણાસરા ગામ પાસે અને કાલાવડના શાપર ગામ પાસે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત મિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે એક ટ્રેક્ટરના ચાલકે ચાર વર્ષના માસુમ બાળકને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં કાલાવડ નજીક શાપર ગામના પાટીયા પાસે બે કાર સામસામે અથડાતા એક કારમાં બેઠેલા ઉમેશભાઈ મુંઝારીયા નામના પર પ્રાંતિય શ્રમિક યુવાનને ગંભીર ઈજા થતાં તેનુ મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સણોસરા ગામના ખેડૂત રાજેશ રાણપરીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નવલસીંગ રૂપાભાઈ ડામોર નામના 31 વર્ષના શ્રમિક યુવાનનો ચાર વર્ષનો પુત્ર વિરેન કે જે ઘર પાસે રમી રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 10 બીઆર 8204 નંબરના ટ્રેક્ટરના ચાલકે તેને કચડી નાખતાં બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે નવલસિંહ ડામોર નામના શ્રમિક યુવાને ટ્રેકટર ચાલક માનસિંગભાઈ સામે પોતાના પુત્રને કચડી નાખી મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ ધ્રોળ પોલીસમાં નોંધાવી છે.

અકસ્માતનો બીજો બનાવ કાલાવડ નજીક શાપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાં બે કાર સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને એક વાહનમાં બેઠેલા ઉમેશભાઈ મુંઝારીયા નામના પર પ્રાંતિય શ્રમિક યુવાનને ગંભીર થયા પછી તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે સફેદ કલરની જી.જે. 10 ડી.આર.7705 નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.