ઇટાલીના દરિયામાં બે જહાજો ડૂબ્યાં, 11 લોકોના મોત
નવી દિલ્હીઃ સોમવારે ઇટાલીના દરિયાકાંઠે બે જહાજો ડૂબી ગયા, જેમાં ઓછામાં ઓછા 11 સ્થળાંતરકારોના મોત થયા અને 60થી વધુ લોકો ગુમ થયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
ઈટાલિયન મીડિયા અનુસાર, ગુમ થયેલા 60થી વધુ લોકોમાંથી 26 સગીર છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું કે, આ બોટ ગત સપ્તાહે તુર્કીથી રવાના થઈ હતી, જેમાં ઈરાક, સીરિયા, ઈરાન અને અફઘાનિસ્તાનના પ્રવાસીઓ અને શરણાર્થીઓ હતા. ઈટાલિયન અધિકારીઓએ હવે તપાસ શરૂ કરી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, બચી ગયેલા લોકો બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઇજિપ્ત અને સીરિયાના હતા.
સોમવારે ઇટાલીના દક્ષિણ કિનારે બે જહાજ ડૂબી જતાં 60થી વધુ લોકો દરિયામાં ગુમ થયા હતા અને 11 લોકોના મોત થયા હતા. આ સિવાય અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. અન્ય અકસ્માત અંગે, જર્મન સહાય જૂથ રેસ્ક્યુશિપે સોમવારે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બચાવ કર્મચારીઓને ઇટાલીના નાના ટાપુ લેમ્પેડુસા નજીક 10 સ્થળાંતર કરનારાઓના મૃતદેહ મળ્યા છે.