Site icon Revoi.in

સ્ટેટ GSTના બે અધિકારીઓ અને વહિવટદાર સવા લાખની લાંચ લેતા પકડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લાંચના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સ્ટેટ જીએસટીના બે અધિકારીઓ તેમજ વહિવટદાર રૂપિયા સવા લાખની લાંચ લેતા પકડાયા છે. ઇન્સ્પેકટર અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સેન્ટ્રલ ટેક્સના અધિકારીએ પેઢીના હિસાબમાં ક્ષતિ હોવાથી 35 લાખ રૂપિયાના દંડ ભરવો પડશે. એવી ચીમકી આપીને  દંડ ઓછો કરવા માટે પેઢી પાસેથી 1.25 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચ વચેટિયા દ્વારા લેતા બંને અધિકારી અને વચેટિયો રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ  ફરિયાદી અને તેમના ભાઈ સોના-ચાંદીની પેઢી ચલાવે છે. જે પેઢીના જુલાઇ, 2017થી માર્ચ, 2023ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડિટ હાથ ધરવા બાબતે SGSTના અધિકારી મોહમંદ રિઝવાન શેખે નોટિસ આપી હતી. ત્યારબાદ SGSTના ઇન્સ્પેકટર ફરિયાદીની પેઢી ખાતે સ્થળ વિઝિટ માટે ગયા હતા અને ઓડિટને લગતા જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવ્યા હતાં. જે કાગળો સાથે ફરિયાદી બંને અધિકારીને મળ્યા હતા. ફરિયાદીને તેમની પેઢીના વર્ષ 2019-20ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા 35 લાખ ચલણ સાથે ભરવા પાત્ર થાય છે, તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાને અને તેમના વકીલને મોકલી આપવા જણાવ્યું હતું. જેમાં SGSTના અધિકારીઓએ કાગળીયા વેરિફાઇ કરી ફરિયાદીને 27 હજાર રૂપિયાનું ચલણ ભરાવીને 35 લાખ રૂપિયા દંડની જોગવાઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ દંડની રકમ ઓછી વસૂલવા માટે 1,25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આ અંગે ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ લાંચનાં છટકા દરમિયાન બંને અધિકારીના કહેવાથી તેમનો વચેટિયો ભૌમિક સોની નામનો વ્યક્તિ સી. જી. રોડ ઇસ્કોન આર્કેડ પાસે લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે બાદ ACBએ મોહમંદ રિઝવાન શેખ અને કુલદીપ કુશવાહની પણ ધરપકડ કરી છે.