અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ધટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન ડીસાની એક સ્કૂલમાં બે શિક્ષક અને 9 વિદ્યાર્થી સહિત 11 વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભય ફેલાયો છે. સ્કૂલમાં કોરોનાના 11 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. બીજી તરફ રાજ્યભરમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ફરીથી પહેલાની જેમ સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોના ગાઈડલાઈન અનુસાર સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શાળાઓ ખૂલતાની સાથે જ કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 278 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં નવા કેસ બાદ કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 266,034 થઈ ગયા છે.